Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"કોરોના કાળ"મા આહવાના 'દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ'ના સ્વયંસેવકો કરી રહ્યા છે સેવાની પૂરક કામગીરી

  • May 04, 2021 

"કોરોના" ના કપરા કાળમા અનેક પ્રકારે લાચારી અનુભવતા લોકો માટે તંત્રની સાથે કઈ કેટલાયે સેવાભાવી લોકો તેમની સૂઝબૂઝ અને ક્ષમતા પ્રમાણે સેવાયજ્ઞમા આહુતિ આપીને, એકબીજાને મદદરૂપ થઇ રહ્યા છે. 

 

 

 

 

 

ત્યારે ડાંગ જિલ્લામા પણ "કોરોના સંક્રમણ" નો ભોગ બનેલા વ્યક્તિઓ, તેમના પરિવારજનો, તથા સંબંધિત કન્ટેઇનમેન્ટ ઝોન, અને બફર ઝોનમા આવતા પરિવારજનોની નાની મોટી રોજિંદી જરૂરિયાત માટે આહવાના "દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ"ના નવયુવાન સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. 

 

 

 

 

 

"કોરોના"ગ્રસ્ત દર્દીઓ તે પછી સિવિલ હોસ્પિટલમા હોય કે કોવિડ કેર સેન્ટરમા હોય. હોમ આઇસોલેશનમા હોય કે ખાનગી દવાખાનામા સારવાર મેળવતો હોય. "દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ"ના નવયુવાન સ્વયંસેવકો તેમનો સામેથી સંપર્ક કરીને તેમની વ્હારે આવે છે. 

 

 

 

 

 

મોબાઈલના માધ્યમથી આવા દર્દીઓ, તથા તેમના પરિવારજનોનો સંપર્ક કરીને આ યુવાનો તેમની રોજિંદી જરૂરિયાત (જેવી કે કોઈને બજાર કે હોસ્પિટલમાંથી દવાની જરૂરિયાત હોય, બહારથી કોઈ ચીજવસ્તુ લાવવાની હોય, ઘરના અન્ય નાના મોટા કામો હોય) પુરી કરે છે. જેથી દર્દીઓ, તેમના પરિજનો, અને કન્ટેઇનમેન્ટ ઝોન, અને બફર ઝોનમા રહેતા વ્યક્તિઓ, અને તેમને કારણે અન્યોને પણ સંક્રમણનો ભય ન રહે. જેને કારણે "મારુ ગામ, કોરોના મુક્ત ગામ" અભિયાનમા 'ફૂલ નહિ તો ફૂલની પાંખડી' અર્પણ કરી શકાય તેમ પણ તેમને ઉમેર્યું હતુ. 

 

 

 

 

 

આ સિવાય કોઈ કુટુંબમા તૈયાર ભોજન કે નાસ્તાની જરૂરિયાત હોય, કોઈને અનાજ, તેલ, મસાલા જેવા સમાનની આવશ્યકતા હોય તો તેની પણ આ યુવાનો વ્યવસ્થા કરી આપે છે. આ ઉપરાંત ફૂટપાથ ઉપર કે જાહેર, સાર્વજનિક સ્થળોએ રહીને એકલવાયુ જીવન જીવતા લોકોને પણ આ યુવાનો બે ટંકનુ ભોજન પૂરું પાડી તેમની જઠરાગ્નિને ઠારવાનુ કામ કરી રહ્યા છે. 

 

 

 

 

 

સાંપ્રત સમયે "દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ"ના આ સ્વયંસેવકો દ્વારા દરરોજ સવારે ૮ થી ૧૨ વાગ્યા દરમિયાન હોમ આઇસોલેશનમા રહેલા દર્દીઓ, તેમના પરિવારજનો, હોસ્પિટલ તથા કોવિડ કેર સેન્ટરમા રહેલા દર્દીઓ, તેમની દેખભાળ કરતા પરિજનો વિગેરેને નિયમિત રીતે 'આયુર્વેદિક ઉકાળો' પૂરો પાડવામા આવી રહ્યો છે. સાથે સાથે આ તમામ લોકોને બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન લીંબુ સરબત, અને સાંજે ગરમાગરમ ખીચડી શાકનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે. આ સેવાનો લાભ 'અંશતઃ લોકડાઉન' ની સ્થિતિનો સામનો કરી રહેલા અન્ય લોકોને પણ પહોંચાડવામા આવી રહ્યો છે. 

 

 

 

 

 

સેવાયજ્ઞની વિગતો આપતા ટ્રસ્ટના સ્વયંસેવક નવયુવાન શ્રી વિપુલ વરઠાએ જણાવ્યુ હતુ હે, કોઈ પણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના પુરી પાડવામા આવતી સેવાઓનો વ્યાપ દિવસે દિવસે વધી રહયો છે. અત્યાર સુધી લગભગ ૬૦૦ લીટરથી વધુ 'લિંબુ સરબત' તથા ૧૦૦ લીટરથી વધારે 'ઉકાળા'નુ વિતરણ કરવા સાથે અંદાજીત ૩૦૦ થી વધુ લોકોને ભોજનનુ વિતરણ કરવામા આવ્યુ છે. આ ઉપરાંત કોરોના સહિતના કોઈપણ દર્દીઓને જરૂરિયાતના સમયે રક્તદાન કરીને 'બ્લડ' ડોનેટ કરવાનુ કાર્ય પણ આ નવયુવાનો દ્વારા કરવામા આવી રહ્યુ છે. 

 

 

 

આ બધી સેવાકિય પ્રવૃત્તિઓ માટે જરૂરી સાધન સામગ્રીઓ, અનાજ કરિયાણુ, શાકભાજી, ફિલ્ટર પાણી વિગેરે માટે આહવા નગરના દાતા ઓ તરફથી આર્થિક સહાય પૂરી પાડવામા આવી રહી છે, તેમ પણ તેમણે વધુમા ઉમેર્યું હતુ. જો કોઈ સેવાભાવી દાતાઓ હાલની આ દયનિય પરિસ્થિતિમા સેવાકીય કાર્યમા જોડાવા માંગતા હોય, તો આ ટ્રસ્ટને અનાજ કરિયાણું, તથા અન્ય કોઈ પણ રીતે મદદ કરી શકે છે. તેવી અપીલ કરતા શ્રી વરઠા એ આસપાસના વિસ્તારમા, કે કોઈ પણ  હોસ્પીટલમા જો કોઈ પણ વ્યક્તિને મદદની જરૂરિયાત હોય તો તેમનો સંપર્ક કરીને 'આંગળી ચીંધ્યાનુ પુણ્ય' મેળવી શકો છો તેમ જાહેર અપીલ કરતા જણાવ્યુ છે. 

 

 

 

આ માટે સંપર્ક નંબર (૧) પ્રિન્સ સોલંકી - ૭૨૦૧૮ ૪૪૩૧૦, (૨) મહેશ ખેરનાર - ૭૦૪૬૪ ૩૬૬૪૦, (૩) અમિત પટેલ - ૮૭૫૮૭ ૦૦૦૧૫, (૪) વિપુલ વરઠા - ૯૬૩૮૪ ૧૫૬૧૬, (૫) રોશન ગાવિત - ૮૧૬૦૭ ૫૧૫૦૦ તથા (૬) ગૌરવ ચૌધરી - ૮૧૬૦૮ ૩૯૫૭૯ નો સંપર્ક સાધી શકાશે.(અહેવાલ : મનોજ ખેંગાર) 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application